કાલોલ સહિત તાલુકામાં ભરઉનાળે કમોસમી વરસાદ:લોકોને ગરમીથી રાહત, ખેડૂતોની ચિંતા વધી

કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં બુધવારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં હવામાનમાં એકાએક પલટો આવતા કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે થયેલા આ વરસાદથી સામાન્ય લોકોને આકરી ગરમીમાં રાહત મળી છે, પરંતુ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે અને વરસાદી માહોલ વચ્ચે શહેરના મુખ્ય રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોએ વરસાદી ઝાપટાંથી હાશકારો અનુભવ્યો હતો. બજારો અને શેરીઓમાં લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. ત્યારે બીજી તરફ, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યો છે. હાલ ખેતરોમાં મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાના પાક તૈયાર થઈ ગયા છે. કેટલાક ખેડૂતોના પાક કાપણી બાદ ખેતરમાં જ પડ્યા છે. આ સંજોગોમાં થયેલા વરસાદથી પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યાં ખેતરોમાં ઘાસચારો પલળી જવાથી બગડી જવાનો ભય હોવાથી પશુપાલક ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.