કાલોલ ખરીદ-વેચાણ સંઘના આગામી અઢી વર્ષના ચેરમેન, વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ

કાલોલ ખરીદ-વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં મંગળવારે મામલતદાર કચેરી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.

વર્ષ ૨૦૨૩માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલને ત્રણેય વિભાગમાં બહુમતી મળી હતી. પ્રથમ અઢી વર્ષ માટેના ચેરમેન અને વાઇસ ચેરમેનની અવધિ તા. ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ જરૂરી પ્રક્રિયાને પગલે આગામી અઢી વર્ષની ટર્મ માટે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી.

મંગળવારે પંચમહાલ જીલ્લા પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર એન.બી. મોદીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કુલ ૧૧ સભ્યોની હાજરીમાં આગામી અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પ્રતાપસિંહ રામસિંહ રાઠોડની ચેરમેન તરીકે તથા જોરાવરસિંહ જશવંતસિંહ રાઠોડની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

પ્રતાપસિંહ રાઠોડ અગાઉ કાલોલ તાલુકા ભાજપના ચેરમેન તરીકે પાંચ વર્ષ સુધી જવાબદારી સંભાળી ચૂક્યા છે. નવી જવાબદારી બદલ ભાજપના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોએ પુષ્પગુચ્છ તથા હારતોરાથી અભિનંદન આપ્યા હતા.

ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુશીની લહેર

નવા ચેરમેન પ્રતાપસિંહ રાઠોડ અને વાઇસ ચેરમેન જોરાવરસિંહ રાઠોડની બિનહરીફ વરણી થતા ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા શુભેરછાઓ પાઠવી બંને હોદ્દેદારોને પુષ્પગુચ્છ અને હારતોરાથી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી.