
જામનગર જિલ્લામાં માનવ જિંદગી સાથે ચેડાં કરતા તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ લાલ આંખ કરી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામમાં કોઈપણ માન્ય ડિગ્રી વગર કલીનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા બે પરપ્રાંતીય બોગસ ડોક્ટરોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
મળતી વિગત મુજબ, લાલપુરના મેઘપર ગામના રામદૂતનગર વિસ્તારમાં કેટલાક શખ્સો તબીબી ડિગ્રી કે લાયકાત વગર જ દવાખાનું ખોલીને બેઠા હોવાની બાતમી ર્જીંય્ને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પશ્ચિમ બંગાળના બે શખ્સો રંગેહાથ ઝડપાયા હતા, જેઓ ડોક્ટરની પદવી વિના જ દર્દીઓની સારવાર કરી રહ્યા હતા.
પોલીસે તપાસ દરમિયાન કલીનિકમાંથી સ્ટેથોસ્કોપ, એલોપેથિક દવાઓ અને અન્ય તબીબી સાધનો મળી કુલ રૂ. ૨૫૧૧ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોઈપણ મેડિકલ રજિસ્ટ્રેશન કે લાયકાત વગર પ્રેક્ટીસસ કરતા આ શખ્સો સામે મેઘપર પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.એસઓજીની આ કડક કામગીરીને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર હાટડીઓ ખોલીને બેઠેલા અન્ય બોગસ તબીબોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.