ગિરનાર અંબાજી મંદિર વિવાદ,જૂનાગઢ અંબાજી મંદિર દારૂ પાર્ટી કેસમાં ૨૬ લોકોને તેડું, ૧૧ ના નિવેદન નોંધાયા

ગિરનાર સ્થિત યાત્રાધામ અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ ભક્તોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. પવિત્ર યાત્રાધામની ગરિમા લજવનાર આ ઘટનાની તપાસ હવે પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તંત્ર દ્વારા રવિવારની રજા હોવા છતાં તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો હતો. બીજી તરફ, વીડિયોમાં દેખાતા સગીરે મીડિયા સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

આ ગંભીર મામલે સત્ય બહાર લાવવા પ્રાંત અધિકારી દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. રવિવારે પણ કામગીરી ચાલુ રાખીને મંદિરમાં ફરજ બજાવતા પૂજારીઓ, રસોયા અને પીઆરઓ સહિત કુલ ૨૬ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી ૧૧ લોકો રૂબરૂ કચેરી સમક્ષ હાજર થયા હતા અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ મામલે પોલીસે ૧૧ જેટલા શખ્સોની અટકાયત કરી તેમની આકરી પૂછપરછ (કડક કાર્યવાહી) કરી હતી.

આ સમગ્ર વિવાદમાં વાયરલ થયેલા વીડિયોમાં જે સગીર યુવક દેખાઈ રહ્યો છે, તેણે મીડિયા સમક્ષ આવીને પોતાની આપવીતી વર્ણવી છે. સગીરે દાવો કર્યો છે કે આ ઘટના દિવાળી પછીના બેસતા વર્ષની સાંજની છે. તે પોતાના મિત્ર અભિષેકસિંહ ચૌહાણના કહેવાથી ત્યાં મંદિરમાં રોકાવા ગયો હતો, જે ત્યાં પૂજારી તરીકે સેવા આપતો હતો. સગીરના જણાવ્યા અનુસાર, અભિષેક પોતે જ બહારથી દારૂ લાવ્યો હતો અને તેણે સોડામાં દારૂ મિક્સ કરીને તેને પીવડાવી દીધો હતો. વધુમાં તેણે આક્ષેપ કર્યો છે કે જ્યારે તે નશાની હાલતમાં હતો, ત્યારે ત્યાં હાજર અન્ય શખ્સો તેને ઉશ્કેરી રહ્યા હતા અને જાણીજાઈને તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો.

સગીરના પરિવારજનોએ આ સમગ્ર કાંડ પાછળ કોઈ મોટા રાજકીય ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે. પરિવારે સવાલ ઉઠાવ્યો છે કે, તે સમયે પાર્ટીમાં ૭ થી ૮ લોકો હાજર હતા અને બધા જ આ કૃત્યમાં સામેલ હતા, તો પછી માત્ર સગીરને જ નિશાન બનાવીને તેનો જ વીડિયો કેમ વાયરલ કરવામાં આવ્યો?

હાલ પ્રાંત અધિકારી આ કેસમાં જવાબદાર તમામ લોકો વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સંડોવાયેલા તમામ શખ્સો સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તે નિશ્ચિત છે.