
જામનગરની જી જી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર લઈ રહેલા રોજીયા ગામના ૧ વર્ષના બાળકનું મોત થયું છે. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકને બચાવવા તબીબોની ટીમે પ્રયાસો કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.
બાળકના બ્લડ સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ બાળકનું મોત ચાંદીપુરા વાયરસને કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર તે અંગે ચોક્કસ માહિતી મળી શકશે.
જામનગરની જી જી હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પાંચ બાળકોના મોત થયા છે. જેમાં જામનગરની ૨ વર્ષની બાળકી, લાંભા ગામના ૨ વર્ષના બાળક, આમરા ગામના બાળક, દેવભૂમિ દ્વારકાની ૧ વર્ષની બાળકી અને હવે રોજીયા ગામના ૧ વર્ષના બાળકનો સમાવેશ થાય છે.
હાલ જી જી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બે બાળકો સારવાર હેઠળ છે. નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા બંને બાળકોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તબીબોના જણાવ્યા મુજબ બંને બાળકોની તબિયતમાં ધીમે-ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ કેસોના સેમ્પલ પુષ્ટિ માટે પૂણે સ્થિત નેશનલ ઇન્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ કેસોની સ્થિતિ અંગે અંતિમ માહિતી સામે આવશે.
ચાંદીપુરા વાયરસનો ફેલાવો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં વધુ સઘન કરવામાં આવ્યા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે સર્વે, તાવગ્રસ્ત બાળકોની તપાસ અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.