
પંચમહાલના હાલોલમાં ભારત ગેસ એજન્સીનું સર્વર ડાઉન થતાં ૧૦૦થી વધુ ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી ગેસ સિલિન્ડર લેવા પહોંચેલા ગ્રાહકોને વિતરણ થઈ શક્યું ન હતું અને તેમને બપોર બાદ આવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.
સર્વર ડાઉન હોવાને કારણે ગેસ બોટલનું વિતરણ અટકી ગયું હતું. સવારથી જ મોટી સંખ્યામાં ગ્રાહકો એજન્સી ખાતે ઉમટી પડ્યા હતા, પરંતુ પૂછપરછ કરતાં તેમને જાણવા મળ્યું કે, મોબાઈલ સર્વરની સમસ્યાને કારણે હાલ વિતરણ શક્ય નથી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ ઘણા ગ્રાહકોને નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું.

હાલોલ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અનેક ગ્રાહકો ગેસ સિલિન્ડર લેવા માટે દૂરથી આવ્યા હતા. વહેલી સવારથી મુસાફરી કરીને પહોંચ્યા બાદ સર્વર ડાઉન હોવાની જાણ થતાં તેમને ભારે નિરાશા થઈ હતી. કેટલાક ગ્રાહકોને ફરીથી બપોર બાદ આવવાનો ધક્કો ખાવો પડ્યો હતો, જેના કારણે તેમનો સમય અને વધારાનો ખર્ચ થયો હતો.
આ ટેકનિકલ સમસ્યાના કારણે ગેસ વિતરણની કામગીરી ખોરવાઈ ગઈ હતી. ગ્રાહકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે, આવી ટેકનિકલ સમસ્યા સર્જાય ત્યારે તેમને અગાઉથી જાણ કરવામાં આવે, જેથી દૂરના વિસ્તારોમાંથી આવતા લોકોને બિનજરી ધક્કો ન ખાવો પડે.