
પંચમહાલ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી છે. પાવાગઢ પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ.3.71 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ.8.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મળેલી સૂચનાના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, ટીમે હાલોલ તાલુકાના સીંગપુર ગામની ચોકડી નજીક દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન, ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની આશરે 40 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 2,156 બોટલ દારૂ-બિયરનો જથ્થો હતો. પોલીસે ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ.3,71,403 આંકી છે. દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.8,07,123નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ દરોડામાં એક વ્યક્તિ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. દારૂના જથ્થાની હેરાફેરી અને વ્યવસ્થામાં સંડોવાયેલા અન્ય છ વ્યક્તિઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.