
પંચમહાલના હાલોલ ડિવિઝન હેઠળના ચાર પોલીસ મથકોમાં વર્ષ 2025-2026 દરમિયાન નોંધાયેલા 134 પ્રોહિબિશન કેસોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. કાયદેસરની પ્રક્રિયા હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન અંદાજિત ₹1.87 કરોડથી વધુ કિંમતનો 79,294 બોટલો દારૂનો જથ્થો નષ્ટ કરાયો હતો.
દારૂબંધી કાયદાના અસરકારક અમલીકરણ અને જપ્ત કરાયેલા મુદ્દામાલના યોગ્ય નિકાલના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમાં હાલોલ ડિવિઝનના ચારેય પોલીસ મથકોના પ્રોહિબિશન કેસોના મુદ્દામાલનો સમાવેશ થતો હતો.સમગ્ર કાર્યવાહી દરમિયાન હાલોલ DYSP, SDM, હાલોલ અને જાંબુઘોડાના મામલતદારો, તેમનો સ્ટાફ, પોલીસ વિભાગના અધિકારીઓ અને ચારેય પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો સંપૂર્ણ નાશ કરવા માટે રોલર અને જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અધિકારીઓની દેખરેખ હેઠળ આ પ્રક્રિયા પારદર્શક અને સુરક્ષિત રીતે પૂર્ણ કરાઈ હતી.મુદ્દામાલ નાશની આ કાર્યવાહી હાલોલ-પાવાગઢ રોડ પર આવેલી જાંબુડી ડમ્પિંગ સાઇટની બાજુમાં નિર્ધારિત સ્થળે હાથ ધરવામાં આવી હતી.
પોલીસ વિભાગે જણાવ્યું હતું કે દારૂબંધી કાયદાના કડક અમલ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ ગેરકાયદે દારૂના વેપાર અને હેરાફેરી સામે સઘન ઝુંબેશ ચાલુ રહેશે.હાલોલ ડિવિઝન વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે પોલીસ સતત સતર્ક રહી છે. તેના પરિણામે નોંધપાત્ર પ્રમાણમાં ગેરકાયદે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ મુદ્દામાલના નાશ સાથે જ સંબંધિત કેસોમાં જપ્ત કરાયેલા દારૂનો કાયદેસર નિકાલ પણ પૂર્ણ થયો છે.