ગત જાન્યુઆરી મહિનામાં કાલોલ એમજીએસ ગરનાળા પાસે કાર ચાલકે પોતાનું કાળા કાચ તથા લાકડાના દંડા વાળુ વાહન પુરઝડપે હંકારી જતા ગંદો ઈશારો કરતા પોલીસે તિરંગા સર્કલ પાસે રોકતા કારમાં રહેલા એક યુવક અને બે મહિલાઓ દ્વારા બોલાચાલી કરી હતી. જેમાં કાલોલ નગરપાલિકાના કાઉન્સિલર જ્યોત્સનાબેન બેલદાર ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ સાથે ગેરવર્તન કરી પીઆઈ આર.ડી.ભરવાડ અને સ્ટાફ સાથે ગમે તેમ બોલી સ્વીફ્ટ ગાડીની ચાવી કાઢી લઈ ગાડી અહીંથી હટશે નહી તારા બાપની ગાડી નથી ગાડીને હાથ લગાડ્યો તો હાથ તોડી નાંખીશ હુ અહીંની લોકલ છું. તમારી પર હુમલા કરાવીશ અહીંથી જીવતા જવા નહીં દઈએ તેમ કહી વુમન કોન્સ્ટેબલ સુનીતાબેન અને શિલ્પાબેન ને હાથ ઉપર ઈજાઓ કરી વુમન કોન્સ્ટેબલનો હાથ મચકોડી નાંખી ઝપાઝપી કરતા ઈજાઓ પહોંચી હોવાની ફરિયાદમાં પ્રતીક જોશી સહિત ચાર મહિલાઓ સામે ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી પ્રતીકકુમાર સુરેન્દ્રભાઈ જોશીને હાલોલ એડી. સેશન્સ કોર્ટ દ્વારા અરજી નંબર ૨૨/૨૦૨૬ થી રેગ્યુલર જામીન આપવામાં આવેલા જે જામીન રદ કરાવવા માટે કાલોલ પોલીસ દ્વારા કાયદા વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. કાયદા વિભાગ તરફથી લીલી ઝંડી મળી જતાં, સરકાર દ્વારા આરોપીના જામીન રદ કરવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ફોજદારી પરચુરણ અરજી દાખલ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ સંજીવ જે. ઠાકરની અદાલત સમક્ષ આ કેસ સુનાવણી પર આવ્યો હતો. નામદાર હાઇકોર્ટે બંને પક્ષોની રજૂઆતોને ધ્યાને લઈને આ મામલાની વધુ સુનાવણી આવતીકાલે ૦૭ જુલાઈ ૨૦૨૬ પર મુલતવી રાખી છે.