
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી શનિવાર, 20 ડિસેમ્બર, 2025ના રોજ યોજાશે. આ સમારોહમાં કુલ 37 ફેકલ્ટીના 21,626 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમની વિગતવાર માહિતી આપવા માટે બુધવાર, 17 ડિસેમ્બર, 2025ના રોજ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ.હરિભાઈ કાતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

કુલપતિએ મીડિયાને જણાવ્યું હતું કે યુનિવર્સિટીના આ સાતમા દીક્ષાંત સમારોહનું અધ્યક્ષસ્થાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને કૃષિ, ખેડૂત કલ્યાણ તેમજ ગૌસંવર્ધન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા ‘અતિથિ વિશેષ’ તરીકે ઉપસ્થિત રહેશે.
આ પદવીદાન સમારોહમાં કુલ 21,626 ડિગ્રી પૈકી 1684 વિદ્યાર્થીઓને રૂબરૂ અને 19,942 વિદ્યાર્થીઓને ગેરહાજરીમાં ડિગ્રીઓ એનાયત કરાશે. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન કરનાર કુલ 51 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે, તેમ કુલપતિ પ્રો. કાતરિયાએ માહિતી આપી હતી.