ગોધરાના નવલસિંગના મુવાડા ગામે નવ પરિણિતાના શંકાસ્પદ મોત મામલે મૃતકના પતિની ધરપકડ

ગોધરા તાલુકાના નવલસિંગના મુવાડા ગામે એક નવપરણિતાના શંકાસ્પદ મોત મામલે પોલીસે કાર્યવાહી કરી છે. ગત ૧૯ જૂનના રોજ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ કેસમાં મૃતકના પતિ રાકેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસ અનુસાર, રાયસિંગપૂરા ગામના ૨૦ વર્ષીય ધનલક્ષ્મીબેનના લગ્ન ગત એપ્રિલ મહિનામાં નવલસિંગના મુવાડા ગામના રાકેશ પરમાર સાથે થયા હતા. લગ્નના માત્ર બે મહિનામાં જ ધનલક્ષ્મીબેનનો મૃતદેહ તેમના સાસરીના ઘરના વાડામાં ઝાડ સાથે સાડીના ફાંસા વડે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પિયર પક્ષના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે, સાસરિયાઓએ ભેગા મળીને દીકરીની હત્યા કરી છે અને તેને આત્મહત્યા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. પિયર પક્ષે પતિ પર શારીરિક અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોધરા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પિયર પક્ષના આક્ષેપોના આધારે પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આરોપી પતિ રાકેશ પરમારને ઝડપી પાડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વધુ પૂછપરછ બાદ જ આ મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.