
ગોધરા મુસ્લિમ સમાજે મોહમ્મદ પયગંબર વિશે સોશિયલ મીડિયા પર કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નાઝિયા ઇલાહી વિદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે આજે ગોધરાના મુસ્લિમ સંગઠનો, વિવિધ ટ્રસ્ટના હોદ્દેદારો અને ઉલેમા એકરામ દ્વારા પંચમહાલ-ગોધરાના પોલીસ અધિક્ષક (જઙ)ને એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગોધરાના પૂર્વ કોર્પોરેટર પપ્પુભાઈ સૈયદ અને સ્થાનિક અગ્રણી મોહમ્મદ ગીતેલીની આગેવાનીમાં મુસ્લિમ સમાજનું એક પ્રતિનિધિમંડળ એસપી કચેરીએ પહોંચ્યું હતું. તેમણે નાઝિયા ઇલાહી સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
સ્થાનિક નેતાઓના આરોપ મુજબ, નાઝિયા ઇલાહી દ્વારા સસ્તા પ્રચાર મેળવવા માટે અગાઉ પણ મુસ્લિમોની મસ્જિદો અને મદરસાઓ તોડી પાડવા જેવા ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આર્થિક બહિષ્કારની વાતો કરવામાં આવી હતી.
હાલમાં, નાઝિયા ઇલાહી પર મોહમ્મદ પયગંબર વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારીને વિશ્ર્વભરના મુસ્લિમોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, તેણી પયગંબર મોહમ્મદ અને હઝરત આયશાના લગ્ન જીવન તેમજ તેમની ઉંમરને લઈને અત્યંત આપત્તિજનક અને બીભત્સ શબ્દોનો પ્રયોગ કરતી જોવા મળે છે. વીડિયોમાં તે પયગંબરના અંગત જીવન વિશે “ઇન્ટરકોર્સ અને “અશ્લીલતા જેવા ગંભીર આક્ષેપો લગાવતી હોવાનું જણાવાયું છે.
મુસ્લિમ સમાજે આવેદનપત્રમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, આવી સંવેદનશીલ બાબતોમાં કોઈ ફરિયાદની રાહ જોયા વિના પોલીસ પ્રશાસને પોતાની મેળે (સુઓમોટો) સંજ્ઞાન લઈ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.