ગોધરામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં નિમિષાબેન સુથારની જીભ લપસી, નિર્મલા સીતારમણને ગણાવ્યા ડિફેન્સ મિનિસ્ટર

-મહિલાઓના સશક્તિકરણ મુદ્દે સંબોધન દરમિયાન બોલવામાં થઈ ભૂલ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.

ગોધરા ખાતે શનિવારે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં માજી મંત્રી અને હાલના ધારાસભ્ય નિમિષાબેન સુથાર પોતાના સંબોધન દરમિયાન બોલવામાં થયેલી ભૂલને કારણે ચર્ચામાં આવ્યા છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મહિલાઓને મળી રહેલી તકો અને તેમના વિકાસ અંગે વાત કરતા સમયે નિમિષાબેન સુથારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને ડિફેન્સ મિનિસ્ટર તરીકે સંબોધી દીધા હતા.

પ્રાસંગિક ઉદ્દબોધન દરમિયાન નિમિષાબેન સુથારે કહ્યું કે દેશના ડિફેન્સ મિનિસ્ટર તરીકે નિર્મલા સીતારમણ કાર્ય કરી રહ્યા છે. જોકે, થોડા સમય બાદ તેમણે પોતે જ “ડિફેન્સ એટલે ફાયનાન્સ મિનિસ્ટર‘ કહીને પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કાર્યક્રમમાં હાજર લોકોમાં આ વાત ચર્ચાનો વિષય બની હતી.

કાર્યક્રમના ઉત્સાહ અને પ્રવાહમાં થયેલી આ ભૂલનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે. જોકે, ભાજપ તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. બીજી તરફ, સોશિયલ મીડિયા યુઝર્સ નિમિષાબેન સુથારના આ નિવેદનને લઈને વિવિધ મજાકીય અને રાજકીય ટિપ્પણીઓ કરી રહ્યા છે.