
ગોધરા જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તેની સીધી અસર ખાતરના બજારો પર જોવા મળી રહી છે, જ્યાં હાલ સુમસામ વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.
સામાન્ય રીતે આ દિવસોમાં ખાતર-બિયારણની ખરીદી માટે ખેડૂતોની ભીડ જોવા મળતી હોય છે. જોકે, વરસાદના અભાવે હાલ જીલ્લા અને તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના ડેપો સાવ ખાલીખમ ભાસી રહ્યા છે, અને એકલ-દોકલ લોકો જ નજરે પડે છે.
ખાતરની અછત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. હાલ જીલ્લા અને તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના ડેપોમાં ૫ હજાર ટનથી વધુ યુરિયા ખાતરનો જથ્થો સ્ટોકમાં ઉપલબ્ધ છે. જોકે, વાવણીલાયક વરસાદ ન થવાને કારણે ખેડૂતો ખાતરની ખરીદી કરવા આવી રહ્યા નથી. આથી, ઉપલબ્ધ જથ્થો ડેપોમાં જ પડ્યો રહ્યો છે. હવે જો આગામી દિવસોમાં સારો વરસાદ થશે, તો જ ખાતરનો આ સ્ટોક ખેડૂતો સુધી પહોંચશે અને ડેપો પર ફરીથી ખરીદીની રોનક જોવા મળી શકે છે.