
પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ગોધરા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે પોલીસ અને એસ.ટી. વિભાગ દ્વારા 4 ડિસેમ્બર, 2025 નારોજ બસ ડ્રાઈવરો માટે ’ટ્રાફિક અવેરનેસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા ટ્રાફિક પીએસઆઈ ડી.એન. પરમાર, ગોધરા સીટી ટ્રાફિક પીએસઆઈ એમ.પી. ચૌહાણ અને ગોધરા ડેપો મેનેજર એમ.એચ. સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અધિકારીઓએ એસ.ટી. બસના ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે વિસ્તૃત સમજ આપી હતી.
આ તકે અધિકારીઓએ ડ્રાઈવરોને તાકીદ કરી હતી કે, રોડ પર જ્યાં નિયત બસ સ્ટેન્ડ કે સ્ટોપ ન હોય ત્યાં બસ ઊભી રાખવી નહીં. રસ્તા વચ્ચે બસ ઊભી રાખવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતો નિવારી શકાય તે હેતુથી તમામ ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.