ગોધરા શહેરના સીતાસાગર તળાવના બ્યુટિફિકેશનની ચાલી રહેલી કામગીરી હવે સ્થાનિક રહિશો માટે આર્શિવાદને બદલે આફત સમાન સાબિત થઈ રહી છે. તળાવના નવીનીકરણ અને સોૈંદર્યકરણના પ્રોજેકટ અંતર્ગત ગંદા પાણીના નિકાલ માટેના નાળાના પાણીને રોકી દેવામાં આવતા દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભિતી સેવાઈ રહી છે.
ગોધરા શહેરના સીતાસાગર તળાવને સુંદર બનાવવાની નેમ સાથે તંત્ર દ્વારા લાખોના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાઈ છે. કોઈપણ વિકાસલક્ષી કામગીરી આવકાર્ય હોય છે. પરંતુ જયારે તે આયોજનના અભાવે લોકો માટે મુસીબત બને ત્યારે અનેક સવાલો ઉભા થાય છે. હાલમાં તળાવની અંદરના ભાગે ચાલી રહેલા કામને કારણે વર્ષો જુના ગંદા પાણીના નાળાના પ્રવાહને રોકી દેવામાં આવ્યો છે. પાણીનો નિકાલ ન થવાના કારણે આ ગંદુ પાણી સ્થગિત થઈ ગયુ છે. જેના પરિણામે કાદવ-કિચડના ગંજ ખડકાયા છે. આ સ્થગિત પાણી હવે મચ્છરો માટેનુ ઉત્તમ સંવર્ધન કેન્દ્ર બની ગયુ છે. આસપાસના રહેણાંક વિસ્તારમાં સાંજના સમયે મચ્છરોના ઝુંડ ઉડતા જોવા મળે છે.જેના કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પણ જોખમ ઉભું થયુ છે. માત્ર મચ્છર જ નહિ પણ ગંદા પાણીના ભરાવવાને કારણે વિસ્તારમાં એવી અસહ્ય દુગર્ર્ધ ફેલાઈ રહી છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે, કોન્ટ્રાકટર અને સંબંધિત વિભાગ દ્વારા નાળાના પાણીના નિકાલ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. નાળાનો માર્ગ મોકળો કરવામાં નહિ આવે તો વિસ્તારમાં મચ્છરજન્ય રોગો ધરે ધરે ફેલાઈ શકે છે. ત્યારે નગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરાવે તેવી માંગ ઉઠી છે.