
સ્થાનિક રહિશોમાં રોગચાળાનો ભય.
ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગટર લાઈનની આ સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે, જેના કારણે વારંવારની રજૂઆતો છતાં ઉકેલ ન આવતા લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.
ગટરના ઢાંકણાના અભાવે ગંદુ પાણી ઉભરાઈને રોડ પર ફરી વળ્યું છે, જેના કારણે રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકો અને રાહદારીઓને આ ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. રોડ પર સતત પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે, હાલના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સફાઈ કામગીરી પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. સફાઈ કામદારો કચરો એકઠો કરીને રોડ પર જ મૂકીને જતા રહેતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. સ્થાનિક વેપારી હિતેશભાઈ ભાસાણીએ જણાવ્યું હતું કે, અગાઉના સેનેટરી ઇન્સ્પેક્ટર આર.આર. પટેલ (નિવૃત્ત) નિયમિત વિઝીટ લઈ સફાઈ કરાવતા હતા, પરંતુ હાલમાં તેવી કામગીરી જોવા મળતી નથી. આ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક લોકોએ વહેલી તકે ગટરના ઢાંકણા નાખવા અને ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર સમક્ષ માંગ કરી છે.
આ અંગે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સહલ મન્સૂરી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “કામગીરી અમે કરાવીએ જ છીએ, પરંતુ આ ગટરનું પાણી રોડ ઉપર રેલાય છે તેને અમારા માણસો દ્વારા જોઈ તેની સાફ-સફાઈ કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે.”