ગોધરાના ડોડપા બળિયાદેવ મંદિર પાસેથી અજાણ્યા વૃઘ્ધનો મૃતદેહ મળ્યો

ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડોડપા બળિયાદેવ મંદિર પાસે વહેલી સવારે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 55 થી 60 વર્ષના લાગતા આ વૃદ્ધના મૃતદેહને પોલીસે કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, વૃદ્ધનું મોત કડકડતી ઠંડીના કારણે થયું હોવાનું મનાઈ રહ્યું છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. સ્થાનિક લોકોએ વહેલી સવારે મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો પંચનામું કરી તેને ગોધરા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ સ્થાપિત કરવા અને તેમના વારસદારોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા એક અઠવાડિયાથી પંચમહાલ જીલ્લામાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. આવી પરિસ્થિતિમાં ફૂટપાથ પર રહેતા નિર્વાસિત અને શ્રમજીવી લોકો માટે રાત્રિ પસાર કરવી મુશ્કેલ બની રહી છે. આ ઘટના ઠંડીના કારણે થયેલા મોતની શક્યતાને વધુ મજબૂત બનાવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વૃદ્ધના મોતનું સાચું કારણ જાણી શકાશે. જોકે, આ ઘટના શિયાળામાં નિર્વાસિત અને ગરીબ વર્ગના લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા દર્શાવે છે.