ઘોઘંબાના વાંકોડ ગામે દીપડાએ વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ

ઘોઘંબા તાલુકાના વાંકોડ ગામે ફરી એકવાર વન્ય પ્રાણી દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. આજ રોજ રાત્રીના સમયે વાંકોડ ગામે રાઠવા દિપાભાઈ દેસીંગભાઈના કોડીયા વિસ્તારમાં હિંસક દીપડાએ હુમલો કરી પશુધનનું મારણ કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, દીપડાએ રાઠવા મલીયાભાઈ રાયસીંગની એક વાછરડી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. એટલું જ નહીં, દીપડાએ અન્ય એક બકરીને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પશુ માલિકે સમયસર હોંકારો પાડતાં દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનામાં બકરીને ઈજા પહોંચતા પશુ માલિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી. જાણ મળતાની સાથે જ વન અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. વન અધિકારીઓએ ગ્રામજનોને વન્ય પ્રાણી દીપડાના હુમલાથી બચવા માટે જરૂરી સાવચેતીના પગલાં અંગે સમજ આપી હતી.

વન વિભાગ દ્વારા દીપડાના હુમલામાં મારણ પામેલા પશુ માટે વળતર મેળવવા સંબંધિત કેસ પેપરો તાત્કાલિક તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ ઈજા થયેલ બકરીને યોગ્ય સારવાર મળી રહે તે માટે વેટનરી ડોક્ટરને પણ જાણ કરવામાં આવી હતી.

ગ્રામજનોમાં દીપડાના વધતા આતંકને લઈને ચિંતાનો માહોલ છે અને વન વિભાગ દ્વારા દીપડાની હલચલ પર નજર રાખી જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.