ગરબાડા સરકારી વિનિયન કોલેજ ૧૦ વર્ષથી ‘બેઘર’: પોતાના મકાનના અભાવે ૫૦થી વધુ સ્થાનિક ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત!

ગરબાડા સરકારી વિનિયન કોલેજ ૧૦ વર્ષથી ‘બેઘર’: પોતાના મકાનના અભાવે ૫૦થી વધુ સ્થાનિક ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત!

મોડલ સ્કૂલના મર્યાદિત વર્ગખંડોમાં જેમ-તેમ ચાલતું ગાડું : ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરે શિક્ષણમંત્રી સમક્ષ સ્વતંત્ર મકાન માટે કરી ઉગ્ર રજૂઆત.

ગરબાડા તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી સરકારી વિનિયન (આર્ટ્સ) કોલેજ આજે સ્થાપનાના એક દાયકા (૧૦ વર્ષ) બાદ પણ પોતાની ઓળખ અને સ્વતંત્ર અસ્તિત્વ માટે ઝંખી રહી છે. દસ-દસ વર્ષ વીતી જવા છતાં કોલેજને પોતાનું કાયમી મકાન ન મળતા હાલમાં સ્થાનિક સરકારી મોડલ સ્કૂલના મકાનમાં ભાગીદારી (શેરિંગ ધોરણે) વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. પરિણામે, મર્યાદિત વર્ગખંડોની અછતને લીધે ચાલુ વર્ષે પચાસથી વધુ સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા તેઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે બી.એ. સેમેસ્ટર-૧ માં નિયમિત ત્રણ ડિવિઝનની ૩૯૦ બેઠકો ઉપલબ્ધ હતી. વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોતા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પાસેથી ખાસ મંજૂરી મેળવી વધારાની ૫૦ બેઠકો ઉમેરવામાં આવી હતી. આમ, કુલ ૪૪૦ બેઠકો પૂરેપૂરી ભરાઈ જવા છતાં હજુ પણ સ્થાનિક વિસ્તારના ૫૦થી વધુ આશાસ્પદ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.

આ અંગે કોલેજ વહીવટી તંત્રનું કહેવું છે કે, મોડલ સ્કૂલના મકાનમાં મર્યાદિત રૂમો હોવાથી વધુ વિદ્યાર્થીઓને સમાવવા અશક્ય છે. શાળાના બિલ્ડિંગમાં નવા રૂમો બનાવવા કે વધારાની બેન્ચો મૂકવાની વહીવટી સત્તા કોલેજ પાસે નથી. ગત ૧૬મી જુલાઈના રોજ જ્યારે રોષે ભરાયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે કોલેજ સત્તાધીશોએ પોતાની મર્યાદાઓ જણાવી વિદ્યાર્થીઓને અન્ય વૈકલ્પિક અભ્યાસક્રમો તરફ વળવા લાચાર થઈને સૂચન કર્યું હતું.

આ ગંભીર સમસ્યાને પગલે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરે તાત્કાલિક એક્શન લીધા છે. તેમણે રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી માંગ કરી છે કે, ગરબાડા જેવા પછાત વિસ્તારના ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ભટકવું ન પડે તે માટે ચાલુ વર્ષે જ વધારાની વ્યવસ્થા ઊભી કરી તમામને પ્રવેશ આપવામાં આવે. આ સાથે જ તેમણે વર્ષોથી લટકતા ગરબાડા સરકારી કોલેજના સ્વતંત્ર મકાનના નિર્માણ કાર્યને વહેલામાં વહેલી તકે મંજૂરી આપી કામ શરૂ કરાવવા સખત શબ્દોમાં રજૂઆત કરી છે.

જો સરકાર આ બાબતે તાકીદે નિર્ણય નહીં લે, તો વિસ્તારના અનેક ગરીબ આદિવાસી દીકરા-દીકરીઓનું ભવિષ્ય રોળાય તેવી ભીતિ સેવાઈ રહી છે.