
ગરબાડા તાલુકાના દાદુર ગામે ગત રોજ એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બે રહેણાંક મકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં બે પરિવારોના આશિયાના અને ઘરવખરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, દાદુર ગામના રહીશ બામણીયા દિનેશભાઈ માનાભાઈ અને બામણીયા રઘુભાઈ ઝીતરાભાઈના મકાનમાં અકસ્માતે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બંને મકાનો તેની લપેટમાં આવી ગયા હતા.

આગ એટલી ભીષણ હતી કે ઘરમાં રાખેલ તમામ અનાજ, કપડાં, વાસણો અને અન્ય ઘરવખરીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. બંને મકાન માલિકોને આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ હોનારત ટળી હતી.
આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે તે અંગેની તપાસ ચાલુ છે.