ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે પુરપાટ દોડી આવતી મોટર સાયકલ ચાલકની ગફલતના કારણે મોટર સાયકલ માળી ફળિયામાં રોડ ઉપર સ્લિપ ખાઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા મોટર સાયકલ ચાલકનુ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના બાર સાલેડા ગામના નાળ ફળિયામાં રહેતા ૨૩ વર્ષિય નિલેશભાઈ વિનોદભાઈ ચારેલ તેના કબ્જાની હિરો પેશન પ્રો મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જતાં મોટર સાયકલ પાટવેલ ગામે માળી ફળિયામાં જાહેર રોડ ઉપર સ્લિપ ખાઈ જતાં મોટરસાયકલ સાથે ઢસડાતા નિલેશભાઈ વિનોદભાઈ ચારેલને મોઢાના ભાગે ડાબી આંખની બાજુમાં તેમજ ખભાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ફતેપુરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ સંબંધે મરણ જનાર નિલેશભાઈ ચારેલના પિતા વિનોદભાઈ સરદારભાઈ ચારેલે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.