ઘોઘંબા રાજગઢ ગામે રહેણાંક મકાનમાં ઘૂસી દીપડાએ બે બકરાનું મારણ કર્યું

ઘોઘંબા તાલુકાના રાજગઢ ગામના પલ્લા ઘાટી ફળિયામાં દીપડાએ રહેણાંક મકાનમાં ઘૂસીને બે બકરાંનો શિકાર કર્યો હતો. આ ઘટના મધરાત્રિએ બની હતી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રાત્રિના આશરે ૧ થી ૨ વાગ્યાના સમયગાળામાં બની હતી. કાનજીભાઈ રાઠવાના મકાનમાં દીપડો પ્રવેશ્યો હતો અને બાંધેલા બકરાં પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને બકરાંનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જેનાથી પશુપાલકને આર્થિક નુકસાન થયું છે.

ઘટનાની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને પશુપાલકોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આ ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવા, રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરવા અને અસરગ્રસ્ત પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવા માટે માંગણી કરી છે. ગ્રામજનોએ જણાવ્યું કે જો ઝડપથી પગલાં લેવામાં નહીં આવે તો માનવી પર હુમલો થવાની શક્યતા પણ છે.