ઘોઘંબા તાલુકાની શનીયાડા ગામે બાળકોના દસ્તાવેજ લેવા ગયેલા પરિવાર પર લાકડીઓ અને કુહાડી વડે હુમલો કરી મારપીટ કરીને મિલ્કતને નુકસાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના મામલે ૯ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરાના જલારામ નગર-૨ સોસાયટીમાં રહેતા તથા મુળ ગામ શનીયાડા તા.ઘોઘંબાના વિક્રમભાઈ જગદીશભાઈ વણઝારાની પત્નિ ભુમિકાબેન અને કિરણભાઈ જગદીશભાઈ વણઝારાની પત્નિ લક્ષ્મીબેન શનીયાડા ગામે બાળકો ધાર્મિક અને સચિનના દસ્તાવેજ લેવા ગયા હતા. ત્યારે આરોપીઓએ તેમની સાથે ગાળાગાળી કરી ઝધડો શ કર્યો હતો. બાદમાં વિક્રમભાઈ અને કિરણભાઈ ત્યાં પહોંચતા આરોપીઓ લાકડીઓ લઈને ધસી આવ્યા હતા. ફરિયાદ અનુસાર દિવાનભાઈ જેમાભાઈ વણઝારા અને અરવિંદભાઈ ગણપતભાઈ વણઝારાએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જયારે દિવાનભાઈએ કિરણભાઈને કુહાડીનો ધા મારી ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદમાં વધુ જણાવ્યુ હતુ કે, બદેસીંગભાઈ શ્રવણભાઈ વણઝારા, જગદીશભાઈ શ્રવણભાઈ વણઝારા, છગનભાઈ જેમાભાઈ વણઝાા અને બોડાભાઈ શકરાભાઈ વણઝારાએ પણ લાકડીઓ તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત શંકરાભાઈ કોદરભાઈ વણઝારા, પ્રધાનભાઈ જેમાભાઈ વણઝારા અને વિશાલભાઈ બોડાભાઈ વણઝારાએ પણ મારપીટ કરી હતી. હુમલા દરમિયાન ભુમિકાબેન અને લક્ષ્મીબેનને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનુ ફરિયાદમાં જણાવ્યુ છે. આરોપીઓએ ફરિયાદીના મકાન પરના નળિયા અને પતરાના શેડ તેમજ બે મોટરસાયકલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યુ હતુ. સાથે જ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવ અંગે દામાવાવ પોલીસે વિક્રમભાઈ જગદીશભાઈ વણઝારાની ફરિયાદના આધારે તમામ ૯ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.