દાંતા તાલુકાના ટીંટવીફળી રાણપુરમાં પતિ એ જ પત્નીની કુહાડી વડે હત્યા કરી નાંખી

દાંતા તાલુકાના ટીંટવીફળી રાણપુરમાં કોઇ અગમ્ય કારણોસર રાત્રે પતિએ ઊંધી કુહાડી મારી પત્નીની હત્યા કરી હતી. આ સમયે સાત વર્ષનો પુત્ર જાગી જતાં ભાગી ગયો હતો. આ અંગે મૃતકના ભાઇએ અંબાજી પોલીસ મથકે પોતાના હત્યારા બનેવી ઉપર ફરિયાદ નોંધાવી હતી.

દાંતા તાલુકાના ટીંટવીફળી રાણપુર ગામે સીમ વિસ્તારમાં છાપરામાં રહેતા પરિવારમાં કોઇ અગમ્ય કારણોસર મનદુ:ખ થતાં પતિ થાવરાભાઇ નાનાભાઇએ રાત્રિના સમયે પરિવારના બધા સભ્યોના સૂઇ ગયા બાદ ઊંધી કુહાડી વડે પોતાની પત્ની હેકરીબેનના માથાના જમણા ભાગે જીવલેણ ઘા મારી હત્યા કરી હતી. આ વખતે અવાજ સાંભળી ૭ વર્ષના બાળો જાગી જઇ બુમાબુમ કરતાં પતિ ઘરેથી ભાગી ગયો હતો.

આ બાબતની જાણ મૃતકના ભાઇને થતાં તેઓએ આવી પૂછપરછ કરતાં તેમના ભાણેજ શેમાભાઇ (૭ વર્ષ)એ બનાવ બાબતે જણાવ્યું હતું. આથી મૃતકના ભાઇ લુકાભાઇ ડુંગાઇસાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, હત્યારો બનેવી પહેલાં પણ મારી બહેનને મારઝૂડ કરતો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.