દાહોદ-ગરબાડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત : પીકઅપ ગાડી પલટી ખાતા રાજસ્થાનના ૭ શ્રદ્ધાળુઓ ઘાયલ

દાહોદ ગરબાડા હાઈવે પર એક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પીકઅપ ગાડી પલટી ખાઈ જતાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ ઈજાગ્રસ્તો રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાનનો એક પરિવાર ધાર્મિક સ્થળે દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન દાહોદ-ગરબાડા હાઈવે પર અચાનક ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવવાના કારણે પીકઅપગાડી રોડ પર જ ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. અકસ્માતમાં ગાડીમાં સવાર સાત જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ની ટીમ દ્વારા તમામ ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.