
ફુગાવો માર્ચમાં નજીવો વધીને ૩.૪ ટકા થયો, જે ફેબ્રુઆરીમાં ૩.૨૧ ટકા હતો. આ ડેટા સોમવારે સરકારે જાહેર કર્યો હતો. ગલ્ફ દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે સપ્લાય ચેઇન પર અસર પડી છે, જેના કારણે કિંમતો પર અસર પડી છે અને ફુગાવામાં વધારો થયો છે. ગ્રાહક ભાવ સૂચકાંક ડેટાના આધારે, ખાદ્યપદાર્થોના ભાવ માર્ચમાં વધીને ૩.૮૭ ટકા થયા છે, જે ફેબ્રુઆરીમાં ૩.૪૭ ટકા હતા. ગ્રામીણ વિસ્તારોમાં છૂટક ફુગાવો ૩.૬૩ ટકા નોંધાયો હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં છૂટક ફુગાવો ૩.૧૧ ટકા નોંધાયો હતો.
માર્ચમાં કાચા તેલના ભાવમાં તીવ્ર વધારો જાવા મળ્યો હતો. જાકે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાએ આ વધારાને સરભર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફુગાવામાં આ વધારા છતાં, ભારતીય રિઝર્વ બેંક સુધારેલા માળખા હેઠળ સતત ૧૨ મહિના સુધી ૪% (૨%-૬%) ની મધ્યમ ગાળાની લક્ષ્ય શ્રેણીથી નીચે રહી છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ખાદ્ય ફુગાવો માર્ચમાં વધીને ૩.૮૭% થયો છે, જે ફેબ્રુઆરીમાં ૩.૪૭% હતો.સીપીઆઇ બાસ્કેટમાં ખાદ્ય ફુગાવાનો સૌથી મોટો હિસ્સો છે. વધુમાં, વીજળી, ગેસ અને અન્ય ઇંધણ શ્રેણીમાં ફુગાવો ૧.૬૫% રહ્યો.
માર્ચમાં કેટલીક મુખ્ય રસોડાની વસ્તુઓના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો. લસણના ભાવમાં ૧૦.૧૮% ઘટાડો થયો, જે ફેબ્રુઆરીમાં ૩૧.૧૦% હતો. ડુંગળીના ભાવમાં પણ ૨૭.૭૬%નો ઘટાડો થયો છે, જે પાછલા મહિનાના ૨૮.૨૦% ઘટાડા કરતા થોડો ઓછો છે. બટાકાના ભાવ પણ નકારાત્મક ક્ષેત્રમાં (-૧૮.૯૮%) રહ્યા છે, જે ફેબ્રુઆરીમાં -૧૮.૪૭% હતા. હાઉસિંગ ફુગાવો માર્ચમાં ૨.૧૧% રહ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૨.૧૨% હતો. કપડાં અને ફૂટવેરમાં ફુગાવો ૨.૭૫% નોંધાયો હતો, જે ફેબ્રુઆરીમાં ૨.૮૧% હતો.