છોટાઉદેપુુર પાલિકા વિસ્તારમાં તિરંગા કલરની સ્ટ્રીટલાઈટો લગાડ્યા બાદ થોડા જ સમયમાં બંધ

છોટાઉદેપુર જિલ્લા સેવાસદનના મુખ્ય પ્રવેશદ્વાર નજીક સરકારી તંત્રની બેદરકારીનો વધુ એક ચોંકાવનારો નમુનો બહાર આવ્યો છે. જયાં એક તરફ સરકાર સ્માર્ટ સુવિધાઓ અને વિકાસના મોટા મોટા દાવાઓ કરે છે. ત્યારે બીજી તરફ સેવાસદનની બહાર જ જાહેર સુવિધાઓની હાલત કફોડી બની છે. સ્થળ પર જોવા મળતી સ્થિતિ મુજબ, રસ્તા પર લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઈટના થાંભલાઓની લાઈટોમાં વરસાદી પાણી ભરાઈ ગયુ છે.

આવી સ્થિતિમાં વીજ શોર્ટ કે શોર્ટ સર્કિટ કે અન્ય અકસ્માત સર્જાવવાની શકયતા નકારી શકાય તેમ નથી. અનેક થાંભલાઓ પર લાઈટ બંધ હાલતમાં જોવા મળી રહી છે. જેના કારણે રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ જાય છે. સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે, અહિં અગાઉ ૬ સ્ટ્રીટ લાઈટના થાંભલા હતા. પરંતુ હાલમાં માત્ર ૫ જ થાંભલા જોવા મળે છે. એટલુ જ નહિ, કેટલાક થાંભલાઓ પર જયાં બે લાઈટ હોવી જોઈએ ત્યાં માત્ર એક જ લાઈટ લગાવી છે. જયારે આગળના ભાગમાં અનેક થાંભલાઓની લાઈટ વર્ષોથી બંધ પડી હોવા છતાં કોઈ જવાબદાર વિભાગ ધ્યાન આપતુ નથી. આ ઉપરાંત સેવાસદન તરફ માર્ગદર્શન આપતુ સરકારી દિશા સુચક બોર્ડ પણ ઝાડીઓ અને વેલોથી સંપુર્ણ ઢંકાઈ ગયુ છે. જેના કારણે બહારગામથી આવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સરકારી કચેરીના પ્રવેશદ્વારે જ આવી બેદરકારી જોવા મળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.સ્થાનિકોમાં પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે કે, જિલ્લા કલેકટર કચેરી અને સેવાસદન બહાર જ જો આવી હાલત હોય તો જિલ્લાના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે…?લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે, સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ તપાસ કરી અને ગાયબ થયેલા થાંભલા અને લાઈટો અંગે ખુલાસો કરે તેમજ બંધ લાઈટો તાત્કાલિક શ‚ કરાવી દિશા સુચક બોર્ડ પરથી ઝાડીઓ દુર કરવામાં આવે નહિ તો આ મુદ્દે જન આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચિમકી ઉચ્ચારાઈ છે.