છોટાઉદેપુરમાં ખેડૂતો માટે મધમાખી પાલન તાલીમ યોજાઈ

છોટાઉદેપુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી અને બાગાયત વિભાગે સાથે મળીને મધમાખી પાલન તાલીમનું આયોજન કર્યું. આ તાલીમ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી ખાતે “વૈજ્ઞાનિક રીતે મધમાખી પાલન વિષય પર યોજાઈ હતી.

કાર્યક્રમની શ‚આતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. ભરતભાઈ મહેતાએ ખેડૂતોને માહિતી આપી. તેમણે જણાવ્યું કે ખેતી સાથે મધમાખી પાલન કરીને આવક બમણી કરી શકાય છે. મધમાખી પાલનથી પરાગનયન દ્વારા ખેતી ઉત્પાદનમાં વધારો થાય છે.

ડો. મહેતાએ મધમાખી પાલનના વ્યવસાયથી મળતી ઉપજો વિશે પણ વિસ્તૃત માહિતી આપી. આ ઉપજોમાં મધ અને મીણ મુખ્ય છે. આ ઉપરાંત, મધમાખીના ડંખનું ઝેર, રોયલ જેલી, પ્રોપોલીસ અને પરાગરજ જેવી અન્ય વસ્તુઓ પણ મળે છે.

ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ વિષય નિષ્ણાંત વિનય પટેલે મધમાખીની વિવિધ પ્રજાતિઓ વિશે સમજાવ્યું. તેમણે ભારતીય મધમાખી, ઈટાલીયન મધમાખી, ભમ્મરીયું મધ અને ગુસ્યુ મધ વિશે જાણકારી આપી. સાથે જ, મધમાખીનું જીવનચક્ર અને આ વિસ્તારમાં મધમાખી પાલનની શક્યતાઓ વિશે પણ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જીલ્લાના નાયબ બાગાયત નિયામક એચ.એમ. પરમારે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી. તેમણે મિશન મધમાખી અંતર્ગત સરકારની સહાય યોજનાઓ વિશે પણ જાણકારી આપી.

આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ચારેલ, બાગાયત અધિકારી એ.એન. પંચભાઈ, ‚ચિરભાઈ, સિંધિયાભાઈ અને જીતુભાઈ પણ હાજર રહ્યા હતા. તેમણે બાગાયતી પાકો વિશે વિગતવાર સમજણ આપી.

ગુજબીના ઉપપ્રમુખ વિનોદભાઈએ મધમાખી પાલન માટે વપરાતા સાધનો વિશે માહિતી આપી. તેમણે મધમાખી વસાહતોની વૈજ્ઞાનિક રીતે જાળવણી અને વિવિધ પાકોમાં મધમાખી પાલનથી ઉત્પાદનમાં થતા વધારા વિશે ખેડૂતોને સમજાવ્યું. આ તાલીમ કાર્યક્રમમાં છોટાઉદેપુર જીલ્લાના ૧૧૦ થી વધુ ખેડૂતો અને ખેડૂત મહિલાઓએ ભાગ લીધો હતો.