
છોટાઉદેપુર નગરમાં કમળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, સાથે જ અન્ય રોગો પણ માથું ઊંચકી રહ્યા છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે, નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને કમળાના વધતા કેસો અંગે જાણ કરવામાં આવી હતી. આ સૂચનાના આધારે, નગરપાલિકાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક કર્યો અને નગરમાં ખાણીપીણીની ગુણવત્તા ચકાસવા માટે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી.
આ તપાસ અભિયાન છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે, જેમાં કુલ 10 જેટલી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે. નગરમાં ચોપાટી પર ઊભેલી પાણીપુરીની લારીઓ, ફાસ્ટ ફૂડ, ચાઈનીઝ અને નાસ્તા હાઉસ જેવા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, પાણીપુરીની લારીઓ પરથી તમામ બાફેલા બટાકા બગડેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય ફાસ્ટ ફૂડ અને ચાઈનીઝની લારીઓ પર પણ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા સંબંધિત ગેરરીતિઓ જોવા મળી હતી.