છોટાઉદેપુરના નસવાડી પાસે બોલેરો ગાડી માંથી રૂા.4.30 લાખનો દારૂ ઝડપ્યો

છોટાઉદેપુર જીલ્લા LCBએ નસવાડી નજીકથી રૂા.4.30 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બે વાહનો જપ્ત કરાયા છે. પોલીસે રૂા.4,30,102/-ની કિંમતની 1826 બોટલ વિદેશી દારૂ, એક બોલેરો પીકઅપ ગાડી અને એક ઈકો ગાડી જપ્ત કરી છે.

છોટાઉદેપુર સરહદી જીલ્લો હોવાથી પડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. જીલ્લા કઈઇએ આવા જ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. LCBની ટીમ નસવાડી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક બોલેરો પીકઅપ ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ દારૂ કવાંટ, ભાખા, નસવાડી થઈને ડભોઈ તરફ જવાનો હતો અને તેનું પાયલોટિંગ એક ઈકો કાર કરી રહી હતી.

બાતમીના આધારે કઈઇની ટીમે વાડિયા પાસે વોચ ગોઠવી હતી. GJ-34-H-2877નંબરની ઈકો કાર અને તેની પાછળ આવતી GJ-34-T-2066 નંબરની બોલેરો પીકઅપ ગાડી આવતા, ઈકો કારને રોકવામાં આવી હતી. જોકે, બોલેરો ગાડીના ચાલકે વાહન ઊભું રાખવાનો ઈશારો કરતા ગાડી ભગાવી હતી અને આગળ જઈ ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

LCB ટીમે બોલેરો ગાડીમાં સવાર નયનભાઈ લક્ષ્મણભાઈ તડવી (રહે. નવી વસાહત, સીમલિયા, તા. ડભોઈ, જી. વડોદરા) અને પાયલોટિંગ કરી રહેલી ઈકો કારના ચાલક વિરેન્દ્રસિંહ બચ્છુસિંહ ડાવર (રહે. હોળી ફળિયા, કટવાડ, તા. સોંઢવા, જી. અલીરાજપુર)ની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.