છોટાઉદેપુર તાલુકાકક્ષાના ગણિત, વિજ્ઞાન પ્રદર્શનમાં 200 બાળકોએ 95 કૃતિઓ રજૂ કરી

છોટાઉદેપુરની પીએમ તાલુકા શાળા નંબર એક ખાતે તાજેતરમાં તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર માર્ગદર્શિત, તાલુકા શિક્ષણ સમિતિ છોટાઉદેપુર અને બીઆરસી ભવન છોટાઉદેપુર દ્વારા આ 11મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 4 થી ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 11:00 કલાકે યોજાયું હતું.

આ પ્રદર્શન બી.આર.સી. ભવન છોટાઉદેપુર દ્વારા આયોજીત કરાયું હતું. તેનો મુખ્ય વિષય ’વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ’ રાખવામાં આવ્યો હતો. જેમાં 200 જેટલા બાળકો દ્વારા મુખ્ય પાંચ વિભાગમાં 95 વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.

મુખ્ય વિષય હેઠળ પાંચ પેટા વિભાગોનો સમાવેશ કરાયો હતો, જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઊર્જા, વિકસિત નવીન ટેકનોલોજી, મનોરંજક ગાણિતિક મોડેલિંગ, આરોગ્ય સ્વચ્છતા તથા જળ સંરક્ષણ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.

ઉપસ્થિત તમામ મહાનુભવોએ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત કરાયેલી કૃતિઓની મુલાકાત લીધી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.