
ગોધરા યુથ કોંગ્રેસની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં હસન છકડા બહુમતીથી વિજેતા બન્યા છે. તેમણે કુલ 1012 મત મેળવીને દમદાર જીત હાંસલ કરી હતી. આ જીત બાદ ગોધરા યુથ કોંગ્રેસ અને ગોધરા વિધાનસભા વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ગુજરાત સહિત ગોધરામાં યોજાયેલી યુથ કોંગ્રેસની આ ચૂંટણીમાં લોકશાહીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગોધરા વિધાનસભા યુથ કોંગ્રેસની ચૂંટણી માટે કુલ 1430 મતદારોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
મતગણતરીના પરિણામો અનુસાર, હસન છકડાને 1012 મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી વસીમ શેખને 119 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં 299 મતો રદ જાહેર કરવામાં આવ્યા હતા.
પરિણામ જાહેર થતાં જ યુથ કોંગ્રેસ સહિત જીલ્લા અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા નવનિયુક્ત ઉમેદવાર હસન છકડાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે દક્ષેશભાઈ પટેલ, અનસ અંધી, સન્ની આહૂજા, ફરીદ ચરખા, ખાલીદ દાવ, અલ્તાફ હયાત અને સલેમાન વીમાનવાલા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
હસનભાઈની આ જીતને યુવા નેતૃત્વના ઉદય તરીકે જોવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકો અને પક્ષના આગેવાનો માને છે કે, આ જીત આગામી સમયમાં યુથ કોંગ્રેસની દિશા અને નિર્ણયશક્તિ પર મહત્વપૂર્ણ અસર પાડશે, જે યુવા વિચારોને પ્રોત્સાહન આપશે.