છોટાઉદેપુરમાં ઝંડા ચોકથી માણેકચોક સુધીના દબાણો પાલિકાએ દુર કર્યા

છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા આજે નગરમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ઝંડા ચોકથી માણેકચોક સુધીના ગૌરવપથ પર કરવામાં આવી હતી.

ગૌરવપથના બંને બાજુએ લારી-ગલ્લા, શાકભાજીના વેપારીઓ અને મસાલાના વેપારીઓએ પથારા પાથરી દીધા હતા. જેના કારણે રસ્તા પર દબાણ ઊભા થયા હતા અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

આ સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકાએ દબાણકર્તા લારી-ગલ્લા, શાકભાજી અને મસાલાના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી હતી. ત્યારબાદ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.