ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ અને રૂ.૪.૭૦ લાખનો દંડ; ગેરહાજર આરોપી સામે ધરપકડ વોરંટ જારી કરવાનો આદેશ

દાહોદના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની અદાલતે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના મહત્વપૂર્ણ ચુકાદામાં આરોપી પંકજ અરવિંદકુમાર મરચન્ટને દોષિત ઠેરવી ૧ વર્ષની સાદી કેદ તેમજ રૂ.૪,૭૦,૦૦૦/નો દંડ ફટકાર્યો છે. ચુકાદા સમયે આરોપી ગેર હાજર રહેતાં કોર્ટે તેની સામે નોન-બેલેબલ વોરંટ (NBW) તથા સજા વોરંટ ઇસ્યુ કરવાનો કડક આદેશ કર્યો છે.

આરોપી પંકજ અરવિંદકુમાર મરચન્ટ એ રામ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લિ., દાહોદ માંથી અંગત જરૂરિયાત માટે જાત જામીન લોન મેળવી હતી. લોન ખાતાની ઓવરડયુ રકમ બાકી નીકળતાં, તેની ભરપાઈ પેટે આરોપીએ રૂ.૩,૫૧,૭૩૬/- નો બેંક ઓફ બરોડાનો ચેક સોસાયટીને આપ્યો હતો. સદર ચેક બેંકમાં રજૂ કરતાં ખાતામાં અપૂરતા ભંડોળ (Funds Insufficient)ંના શેરા સાથે પરત ફર્યો હતો. કાયદેસરની ડિમાન્ડ નોટિસ બજવા છતાં આરોપીએ નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવ્યા ન હતા. જેથી સોસાયટીના અધિકૃત અધિકારી નરેન્દ્રકુમાર શંકરલાલ ગામોટ દ્વારા વિદ્વાન વકીલ ત‚ણ કે. શર્મા મારફતે દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ક્રિમિનલ કેસ નં. ૧૭૨૩/૨૦૨૩ દાખલ કરવામાં આવ્યો હતો.

કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે રજૂ કરેલા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને કાયદાકીય અનુમાનોને ધ્યાને લઈ નામદાર કોર્ટે ફરિયાદ પક્ષનો કેસ નિ:શંકપણે સાબિત થયેલો માન્યો હતો.

સુનાવણીના અંતે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સતીષસિંહ બી. ચૌહાણે આરોપીને દોષિત જાહેર કરી આરોપીને ૧ (એક) વર્ષની સાદી કેદ તથા રૂ.૪,૭૦,૦૦૦/- નો દંડ; દંડ ન ભરે તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદનો હુકમ કરેલ છે. વધુમાં કોર્ટે જમા થયેલ દંડની રકમ માંથી રૂ.૪,૬૫,૧૭૦/- ફરિયાદી સોસાયટીને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. ચુકાદા વખતે આરોપી હાજર ન હોવાથી તેને પકડી જેલ હવાલે કરવા તાત્કાલિક ધરપકડ વોરંટ (NBW) જારી કરવાનો પણ હુકમ થયેલ છે.