
છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર-૫૬ પર આવેલા ડિવાઇડર પર એક પીકઅપ ગાડી ચડી ગઈ હતી. આ ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બોડેલી ડેપો નજીક આવેલા આ ડિવાઇડર પર પૂરતા પ્રમાણમાં સાઇનિંગ બોર્ડ કે અન્ય ચેતવણીના નિશાન ન હોવાને કારણે આ અકસ્માત થયો હતો. પીકઅપ ગાડી ડિવાઇડર સાથે અથડાઈને તેના પર ચડી ગઈ હતી.
સ્થાનિક વાહનચાલકોના કહેવા મુજબ, આ વિસ્તારમાં ખાસ કરીને રાત્રિના સમયે ડિવાઇડર સ્પષ્ટ દેખાતો નથી. આ કારણે અગાઉ પણ વાહનો ડિવાઇડર સાથે અથડાવાની ઘણી ઘટનાઓ બની છે. વાહનચાલકોની માંગ છે કે ડિવાઇડર પર રિફ્લેક્ટિવ સાઇનિંગ બોર્ડ, રિફ્લેક્ટર અને યોગ્ય ચેતવણીના નિશાન મૂકવામાં આવે. તેનાથી રાત્રિના સમયે વાહનચાલકોને ડિવાઇડર સરળતાથી દેખાઈ શકે.
આ ઉપરાંત, બોડેલી ડેપો પાસે બમ્પ ન હોવાથી વાહનો પૂરપાટ ઝડપે પસાર થાય છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.
વાહનચાલકો અને સ્થાનિક લોકોએ તંત્ર પાસે વહેલી તકે ડિવાઇડર પર સ્પષ્ટ દેખાય તેવા સાઇનિંગ બોર્ડ અને રિફ્લેક્ટર લગાવવા તેમજ બોડેલી ડેપો પાસે જરી જગ્યાએ બમ્પ મૂકવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.