ભાવનગરમાં પીએમ આવાસ યોજનાના સરકારી આવાસો ભાડે આપતા કાર્યવાહી

ભાવનગર શહેરના સુભાષનગર હમીરજી પાર્કમાં ભાડે અપાયેલા ૪૬ સરકારી આવાસ સીલ કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આવાસ યોજનાનો દુરુપયોગ કરનારાઓ સામે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ હમીરજી પાર્ક ખાતે પીએમ આવાસ યોજનાના ૪૬ સરકારી આવાસોને આજે સીલ કરવામાં આવ્યા છે જેના કારણે વિસ્તારમાં ભારે દેકારો મચી ગયો હતો.

થોડા દિવસો પૂર્વે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો હતો કે આવાસ યોજનાના આશરે ૧૨૦ મકાન ગેરકાયદે રીતે ભાડે આપવામાં આવ્યા હતા. ગરીબ અને મયમ વર્ગના મકાન વિહોણા લોકોને ઘર મળી રહે તે હેતુથી બનેલા આ આવાસોનો કેટલાક લાભાર્થીઓએ વ્યાવસાયિક રીતે ઉપયોગ શરૂ કરી દીધો હતો. તંત્ર દ્વારા અગાઉ નોટિસ અને તાકીદ કરવા છતાં મકાન માલિકોએ ગંભીરતા દાખવી ન હતી, જેના પગલે સવારથી જ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીઓ, સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને આવાસોને સીલ કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન આવાસધારકોમાં ખળભળાટ ફેલાયો હતો, જ્યારે મ્યુનિસિપલ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવાસ યોજનાનો દુરુપયોગ કરનારાઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુભાષનગર, અમીરજી પાર્કમાં ફાઈનલ પ્લોટ નં.૨૯માં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની બિલ્ડીંગમાં ભાડુઆતોની તપાસ માટે પહોંચી ત્યારે ભાડુઆતોની ભરમાર ભરી હોય તેમ ૩૨૦ આવાસમાંથી ૧૨૦માં ભાડુઆતો રહેતા હોવાનું તેમજ ૧૦૫ મકાનમાં મૂળ લાભાર્થી અને ૯૫ મકાનને તાળા લટકેલા જોવા મળ્યા હતા, જેના પગલે મહાપાલિકાની ટીમે ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ ફટકારી હતી.

ત્યારબાદ મહાપાલિકાએ કોઈ કાર્યવાહી કરી ન હતી અને અચાનક મહાપાલિકાની ટીમે કામગીરી હાથ ધરી ૧૨૦ પૈકી ૪૬ મકાનને સીલ મારી દીધા હતા, જેમાં ભાડુઆત તેમજ નોટિસનો જવાબ ન આપ્યો હોય તેવા મકાનનો સમાવેશ થાય છે, જયારે ૭૪ આવાસ માલિકે આવાસ ભાડે નહીં આપવાની લેખિત બાહેધરી આપી હતી તેથી તેઓને સીલ મારવામાં આવ્યા ન હોવાનુ જાણવા મળેલ છે.

ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ.૧ પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ભાવનગર શહેરના ફુલસર ખાતે આવેલ ફાઈનલ પ્લોટ નં.૩૦, શિવશક્તિ પાર્ક સામે ૨૫૬ આવાસોમાં ભાડુઆત બાબતનો સર્વે ગત તા. ૧૪ ડિસેમ્બરે મહાપાલિકાના જુદા જુદા વિભાગની ટીમાએ સર્વે હાથ ધર્યો હતો. આ દરમિયાન કુલ-૧૦૪ આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફિલત થતા મૂળ લાભાર્થીઓને અન્ય રહેણાંકર્ક્તા ભાડુઆતને દિન-૩ માં આવાસ ખાલી કરવા તાકીદ નોટિસ આપીને આવાસો ખાલી કરાવવા જાણ કરાઈ હતી. આગામી બે દિવસમાં આ આવાસ યોજનામાં ભાડે મકાનને સીલ મારવાની કામગીરી કરવામાં આવશે તેમ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યુ હતું.