
રસ્તો બંધ, ખેતરોમાં પાણી… છતાં શેહરા 108 ટીમે લાભી ગામના તલાર ફળિયામાં પહોંચીને ઘરમાં જ નોર્મલ ડિલિવરી કરાવી માતા-શિશુને ઉગાર્યા
દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં દેવદૂત બનીને પહોંચતી ‘108’ ઇમર્જન્સી સેવાએ ફરી એકવાર પોતાની અપ્રતિમ નિષ્ઠા અને બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શેહરા તાલુકાના લાભી ગામના તલાર ફળિયામાં ભારે વરસાદ અને પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે 108ની ટીમે લગભગ 1 કિલોમીટર સુધી પાણીમાં પગપાળા પસાર થઈને દર્દીના ઘરે જીવના જોખમે પહોંચીને એક ગર્ભવતી મહિલાની સફળ નોર્મલ ડિલિવરી કરાવી માતા અને શિશુનો જીવ બચાવ્યો હતો.

શહેરા તાલુકાના લાભી ગામના તલાર ફળિયામાંથી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 સેવાને કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ શેહરા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક રવાના થઈ હતી. જોકે, આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તો બંધ હોવા સાથે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી એમ્બ્યુલન્સ સીધી દર્દીના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી.આવી વિષમ પરિસ્થિતિમાં સહેજ પણ સમય બગાડ્યા વિના 108ના ઇએમટી કલ્પેશ પરમારે ભારે સાહસ બતાવી લગભગ 1 કિલોમીટર સુધી પાણીમાં પગપાળા પસાર થઈને દર્દીના ઘરે પહોંચવાનો નિર્ણય કર્યો હતો.108ના ઇએમટી દર્દીના ઘરે પહોંચ્યા ત્યારે મહિલાને પ્રસૂતિનો અસહ્ય દુખાવો શરૂ થઈ ગયો હતો અને હોસ્પિટલ પહોંચાડવાનો સમય નહોતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને ઇએમટી કલ્પેશ પરમારે ઇઆરસીપી ડૉ. મહેતા મેડમ સાથે ટેલિફોનિક સંપર્ક સાધી તેમના માર્ગદર્શન હેઠળ સ્થળ પર જ સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી.પ્રસૂતિ બાદ નવજાત શિશુ અને માતાને જરૂરી રૂટીન મેડિકલ કેર આપવામાં આવી હતી. ત્યારબાદ 108ના પાયલટ નરેશ પ્રજાપતિ અને ઇએમટી દ્વારા માતા અને બાળક બંનેને સુરક્ષિત રીતે શેહરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ભારે વરસાદ અને રસ્તા બંધ હોવા છતાં 108 ટીમ શેહરાના ઇએમટી કલ્પેશ પરમાર અને પાઇલટ નરેશ પ્રજાપતિએ પોતાની ફરજ પ્રત્યે જે સમર્પણ અને માનવતા દાખવી હતી, તેની સમગ્ર તાલુકામાં ભારે પ્રશંસા થઈ રહી છે.