અંબાજીની પગપાળા યાત્રામાં સેવા‚પી શ્રદ્ધાનો સંગમ : જય અંબે મિત્ર મંડળ મુવાડાનો સતત ચોથા વર્ષે ભવ્ય વિસામો

ભીલ રાજા ઝાલા વસૈયા ચોક ખાતે ૧૨ સપ્ટેમ્બરથી સેવાયજ્ઞનો પ્રારંભ : ચા-નાસ્તા, ભોજન, આરામ, દવા અને મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધાઓથી હજારો યાત્રાળુઓને રાહત.

ઝાલોદ નગરના મુવાડા ચોકડી ખાતે જય અંબે મિત્ર મંડળ દ્વારા અંબાજી પગપાળા જતા માઈભક્તોની સેવા માટે સતત ચોથા વર્ષે સેવાયજ્ઞ શ‚ કરવામાં આવ્યો છે. તા. ૧૨-૦૯-૨૦૨૬થી ભીલ રાજા ઝાલા વસૈયા ચોક ખાતે ભવ્ય વિસામો ઉભો કરી અંબાજી તેમજ રામદેવરા તરફ પગપાળા જતા યાત્રાળુઓ માટે વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વિસામા ખાતે ગણપતિ બાપાની સ્થાપના પણ કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓને ગણપતિ બાપાના પાવન દર્શન સાથે માતાજીની ભક્તિનો પણ આધ્યાત્મિક અનુભવ મળી રહે. અહીં સવાર-સાંજ માં અંબાની આરતી તથા ગણપતિ બાપાની આરતી નિયમિત કરવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહે છે.

પગપાળા યાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓ માટે વિસામા ખાતે પલંગ-ગાદલા સાથે આરામની સુવિધા, કુલર, ચોવીસ કલાક પીવાનું પાણી, ચા-નાસ્તો તથા સવાર-સાંજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબી પદયાત્રાના કારણે હાથ-પગમાં દુખાવો કે થાક અનુભવતા યાત્રાળુઓને જ‚રી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ ઉપરાંત યાત્રાળુઓના મોબાઈલ ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઈન્ટ પણ રાખવામાં આવ્યો છે. અંબાજી માતાના રથ સાથે આવતા સંઘો માટે પાર્કિંગની વ્યવસ્થા તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેરીકેટિંગ પણ કરવામાં આવ્યું છે.

વિસામા ખાતે બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા સાથે ભજન-કીર્તન દ્વારા ભક્તિમય માહોલ ઉભો કરવામાં આવ્યો છે. સતત ત્રણ વર્ષના સફળ સેવાકાર્ય બાદ જય અંબે મિત્ર મંડળ મુવાડાએ ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ વિસામાનો લાભ લઈ થાક ઉતારી આગળની યાત્રા માટે પ્રસ્થાન કરે છે.

અંબાજી જતી માઈભક્તિની પગદંડીમાં સેવા એ જ સાધનાના ભાવ સાથે જય અંબે મિત્ર મંડળ મુવાડા દ્વારા કરવામાં આવી રહેલો આ સેવાયજ્ઞ શ્રદ્ધા, સમર્પણ અને માનવસેવાનો સુંદર સંદેશ આપી રહ્યો છે.