
અમદાવાદના ગાયક દ્વારા મુંબઈના ગુજરાતી સિંગર પર હુમલો કરાયાની ઘટના બની છે. ગુજરાત સિંગર શ્યામ સિધાવતે પોતાના સાથીઓ સાથે મળીને મુંબઈના ગુજરાતી સિંગર હાદલ પંડ્યા પર હુમલો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એસજી હાઈવે પર પેલેડિયમ મોલ સામે હુમલાની ઘટના બની હતી. એસજી હાઈવે પર પેલેડિયમ મોલ સામે મુંબઈના સિંગર હાદલ પંડ્યા પર હુમલો કરાયો હતો. સોંગ ક્રેડિટની અદાવતમાં હાદલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લિગલ નોટિસના મનદુ:ખમાં મારામારી કરવામાં આવી હતી.
સિંગર હાદલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં હાદલ પંડ્યાને મોઢાના ભાગે જીવલેણ માર માર્યો હતો. આ કારણે હાદલ પંડ્યા બેહોશ થઈ ગયો હતો. હાદલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જતાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે તે આગામી ચાર મહિના સુધી ગાઈ શકશે નહીં.
સમગ્ર ઘટના અંગે વાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો હુમલાના ૪ દિવસ બાદ ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં હાર્દીલ પંડ્યા વિરુદ્ધ વાપુર પોલીસ સ્ટેશનમાં સિંગર શ્યામના પત્નીએ બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી છે.
આ વિશે હાદલ પંડ્યાએ જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ મેં મારા મિત્રને એક સોંગ આપ્યું હતું. જે સોંગમાં મિત્રએ મને ક્રેડિટ ના આપતા મેં લીગલ નોટિસ મોકલી હતી. જે બાદ અમારા વચ્ચે મામલો સોલ્વ થઈ ગયો હતો, પરંતુ આ બાબતે મને શ્યામ સિદાવત નામના સિંગરે ધમકી ભર્યા ફોન કર્યા હતા. જો કે, જે તે સમયે આ મામલો પૂરો થઈ ગયો હતો, પરંતુ ૨૯ ડિસેમ્બરે હું મારા મિત્રો સાથે જઈ રહ્યો હતો ત્યારે શ્યામ અને તેના સાથીઓએ મળીને પેલેડિયમ મોલ તરફ મારા પર હુમલો કર્યો હતો.