૧૨ વોર્ડમાંથી ૧૦ વોર્ડ કરાયા, સામાન્ય બેઠકની ફાળવણી સામે મતદારોમાં રોષ; આગામી પંચાયત ચૂંટણીમાં ગોઠીબમાં રાજકીય માહોલ ગરમાવાના સંકેત.
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગ્રામ પંચાયત વિસ્તારમાં બેઠક ફાળવણીના મુદ્દે સ્થાનિક રાજકારણમાં અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા આશરે ૩૫ વર્ષથી સામાન્ય બેઠક ફાળવવામાં ન આવી હોવાના સ્થાનિક મતદારોના આક્ષેપ વચ્ચે ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીને લઈને અસંતોષની લાગણી તેજ બની રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૨માં વોર્ડના સભ્યો માટે સામાન્ય બેઠક ફાળવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આજદિન સુધી સામાન્ય બેઠક ફાળવાઈ નથી. અગાઉ ગ્રામ પંચાયતના ૧૨ વોર્ડ હતા, જેને ઘટાડીને ૧૦ કરવામાં આવ્યા હોવાનો પણ મુદ્દો ઉઠ્યો છે. વસ્તી અને મતદારોની સંખ્યામાં વધારો થતો હોવા છતાં વોર્ડની સંખ્યા ઘટાડવા તેમજ બેઠક ફાળવણીના માપદંડ અંગે ગ્રામજનોમાં સવાલો ઉઠી રહ્યા છે.
આ મુદ્દે મયંક પટેલ સહિત અનેક સ્થાનિક મતદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બેઠક ફાળવણીમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતું હોવાની લાગણી વચ્ચે આગામી ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાની વિચારણા પણ કેટલાક મતદારો દ્વારા કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે.
બેઠક ફાળવણીનો મુદ્દો હવે માત્ર વહીવટી ચર્ચા પૂરતો રહ્યો નથી, પરંતુ ગામના રાજકીય સમીકરણોને અસર કરે તેવા સંકેતો મળી રહ્યા છે. આગામી ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગોઠીબ ગામે રાજકીય ગરમાવો જોરદાર જોવા મળે તેવી શક્યતા છે.
જો બેઠક ફાળવણી અંગે સમયસર સ્પષ્ટતા નહીં થાય તો આગામી ચૂંટણીમાં આ મુદ્દો મુખ્ય રાજકીય મુદ્દો બની શકે છે. હાલ ગામમાં બેઠક ફાળવણી, વોર્ડની સંખ્યા અને મતદારોના પ્રતિનિધિત્વને લઈને ચર્ચાઓ તેજ બની રહી છે.