આપ પ્રમુખ અશોક ઓઝા સામે દુષ્કર્મના આરોપ, મહિલાનો શારીરિક શોષણનો દાવો

વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાને લઈને એક હાઈપ્રોફાઈલ વિવાદ સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. એક મહિલાએ અશોક ઓઝા સામે શારીરિક શોષણ અને દુષ્કર્મના ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, અશોક ઓઝાએ પણ મહિલાની સામે વળતી ફરિયાદ કરીને સમગ્ર મામલાને નવો વળાંક આપ્યો છે.

પીડિત મહિલાના જણાવ્યા મુજબ, અશોક ઓઝાએ તેને નોકરી અપાવવાની અને આમ આદમી પાર્ટીમાં મહત્વનો હોદ્દો આપવાની લાલચ આપી હતી. મહિલાનો આરોપ છે કે વિશ્વાસમાં લઈને પહેલા દારૂ પીવડાવવામાં આવ્યો અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મહિલાએ સતત શારીરિક શોષણ થતું હોવાનો પણ ગંભીર દાવો કર્યો છે.આ આક્ષેપો સામે આવતા વડોદરાના રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢતા અશોક ઓઝાએ પણ પોલીસ સ્ટેશનમાં મહિલાની સામે અરજી આપી છે. અશોક ઓઝાનો દાવો છે કે મહિલા તેમને રાજકીય અને સામાજિક રીતે બદનામ કરવાની કોશિશ કરી રહી છે.તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે મહિલાએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને રૂ. ૨૦ લાખની માંગણી કરી હતી. આ દાવાઓ બાદ સમગ્ર મામલો વધુ જટિલ બની ગયો છે.

આ હાઈપ્રોફાઈલ વિવાદ સામે આવ્યા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે બંને પક્ષોની અરજીઓ સ્વીકારીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય બહાર આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે.