ચૈતર વસાવાએ 75 લાખના લાંચના આરોપો નકાર્યા : મનસુખ વસાવાને માનસિક બીમાર ગણાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા પર માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી રૂ75 લાખ માંગ્યા હોવાના આરોપ બાદ, ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને મનસુખ વસાવાને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું હતું. સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે લાંબા સમયથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ આરોપ-પ્રત્યારોપના દોર વચ્ચે, મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર નર્મદા જીલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી રૂ75 લાખની માંગણી કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ આરોપોના જવાબમાં, ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મનસુખ વસાવાએ કલેક્ટરે રજૂઆત કરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કલેક્ટરે ગઈકાલે ખુલાસો કર્યો કે મનસુખભાઈ ખોટું બોલી રહ્યા છે અને તેમની વાતો પાયાવિહોણી છે. ચૈતર વસાવાએ માંગ કરી હતી કે મનસુખ વસાવાએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોરવા બદલ માફી માંગવી જોઈએ.

ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, મનસુખ વસાવા છેલ્લા 30 વર્ષથી એકહથ્થુ શાસન ધરાવે છે, અધિકારીઓ અને પોલીસ તેમના પક્ષમાં છે. જો તેમની પાસે આવા કોઈ પુરાવા હોય તો તેમણે તે જાહેરમાં રજૂ કરવા જોઈએ. તેમણે મનસુખ વસાવાને આવી પાયાવિહોણી વાતો બંધ કરવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે જો તેઓ આવી વાણીવિલાસ ચાલુ રાખશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ચૈતર વસાવાએ મનસુખ વસાવાની ભાજપ છોડવાની ધમકીને પણ વખોડી કાઢી હતી. તેમણે સવાલ કર્યો કે જ્યારે મનસુખ વસાવા તેમના વિરૂદ્ધ નિવેદનો આપતા હતા, ત્યારે તેમણે ભાજપના નેતાઓને પૂછ્યું હતું? અને હવે તેઓ ભાજપ સરકાર પર દબાણ કરી રહ્યા છે કે ચૈતર વસાવાને દબાવવામાં આવે. ચૈતર વસાવાએ ભારપૂર્વક કહ્યું કે સત્ય પરેશાન થઈ શકે છે, પણ પરાજીત નથી થતું. તેમણે મનસુખ વસાવાના ભાજપમાંથી રાજીનામું આપવાના નિવેદનોને માત્ર એક ’સ્ટંટ’ ગણાવ્યા હતા. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો કે જો તેમને રાજીનામું આપવું હોય તો લોકસભાના અધ્યક્ષને તાત્કાલિક લેખિતમાં આપી દે, કોઈને કહેવાની જરૂર નથી.

આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ભાજપના સાંસદ મનસુખ વસાવાને ’માનસિક બીમાર’ ગણાવ્યા હતા અને તેમને મનોચિકિત્સકની સારવાર લેવાની સલાહ આપી હતી. ચૈતર વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ આમ આદમી પાર્ટીના લોકપ્રતિનિધિ તરીકે અગાઉ મનરેગા કૌભાંડ, ’નલ સે જલ’ યોજનામાં કૌભાંડ, બોડેલી અને નર્મદામાં કાર્યપાલક ઇજનેરની બોગસ કચેરીઓ તેમજ નકલી ૠગખ કોલેજ જેવા અનેક મુદ્દાઓ ઉઠાવી ચૂક્યા છે. તેમના મતે, દરેક વખતે મનસુખ વસાવાએ તેમની સામે મોરચો માંડ્યો હતો.

ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર સરકારને દબાવવાનો, બ્લેકમેલ કરવાનો અને રાજીનામું આપવાની ધમકી આપીને મજબૂર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું કે મનસુખ વસાવા માનસિક રીતે બીમાર છે અને તેમને મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ.

અંતમાં, ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પડકાર ફેંકતા કહ્યું કે, જો તેઓ પોતાનો ’પટ્ટો ઉતારીને’ મેદાનમાં આવે, તો તેમને તેમના વિસ્તારમાં ખુરશી આપવા માટે કોઈ તૈયાર નથી.