
મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છોટાઉદેપુર જીલ્લાના પુનિયાવાંટ ગામના ગીતાબેન રાઠવાએ આપ્યું છે. પોતાની મહેનત અને સરકારની યોજનાઓના સહયોગથી આર્થિક સંકડામણને માત આપીને વાર્ષિક રૂા. 1 લાખથી વધુની આવક મેળવી લખપતિ દીદી બન્યા છે. ગીતાબેન રાઠવાએ તેમના સફરની વાત કરતા જણાવ્યું કે, પહેલા છૂટક મજૂરી કામ કરતા હતા. ગામમાં સખી મંડળની પ્રવૃત્તિઓને જોઈ મને પ્રેરણા મળી અને મે 10 બહેનોને ભેગી કરી “જય માતાજી સખી મંડળની રચના કરી હતી.
શરૂઆતમાં માત્ર 30 રૂપિયાથી બચત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અત્યારે 100 રૂપિયાની બચત કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે, ગામ સંગઠનમાંથી રૂા. 25 હજારની લોન મેળવી ડાંગરમાથી ચોખા છૂટા કરવાની નાની રાઈસ મીલ શરૂ કરી. જેમાંથી અમને વાર્ષિક રૂપિયા 50 હજારની આવક થાય છે. ફૂલોની ખેતી માટે બેંકમાંથી રૂ. 50 હજારની લોન લઈ ફૂલોની ખેતી શરૂ કરી અને ફૂલોમાંથી વાર્ષિક રૂપિયા 50 હજારની આવક થાય છે. તેમજ સાથે પશુપાલન થકી દૂધના વેચાણ દ્વારા વાર્ષિક વધારાના રૂપિયા 30 હજાર મળે છે. લખપતિ દીદી યોજના થકી ગીતાબેન રાઠવા આત્મનિર્ભર બન્યા છે. જેમની વાર્ષિક આવક હવે 1 લાખ રૂપિયાથી વધારે છે અને આર્થિક રીતે પગભર થયા છે. લખપતિ દીદી યોજના અમલમાં મૂકાતા બહેનો આત્મનિર્ભર બની છે.