નસવાડીમાં કાર માંથી રૂા. 2.70 લાખના વિદેશી દારૂ જપ્ત કર્યો

નસવાડી પોલીસે દારૂની હેરાફેરી કરતા 4 બુટલેગરોને બે ઇકો કાર સાથે પકડ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન, એક ઇકો કાર નસવાડીના ભરચક મેમણ કોલોની વિસ્તારમાં બુટલેગરો મૂકીને ફરાર થયા હતા. 24 કલાક બાદ બુટલેગરો આ કાર લેવા પરત આવતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી.

ગ્રામજનોએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા તેઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. આનાથી ગ્રામજનોને કારમાં કંઈક શંકાસ્પદ હોવાની ખાતરી થઈ હતી અને તપાસ કરતા કારની અંદરથી દારૂની પેટી ઓ જોવા મળી હતી. ત્યારબાદ નસવાડી પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી દારૂ ભરેલી ઇકો કારને ટોચન કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે 2.70 લાખ રૂપિયાના વિદેશી દારૂ સહિત કાર મળીને કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 31મી ડિસેમ્બર પહેલા નસવાડી પોલીસે છેલ્લા 24 કલાકમાં દારૂ ભરેલી ત્રણ ઇકો કાર પકડી પાડી છે. આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.