બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામમાં સરકારી યોજનામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ગામમાં અગાઉથી જ બનેલા ૧૦૦થી વધુ જૂના શૌચાલયોને કાગળ પર ’નવા નક્કોર’ દર્શાવીને લાખો પિયાની સરકારી ગ્રાન્ટ બારોબાર ચાઉં કરી જવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે. આ સમગ્ર કૌભાંડમાં સ્થાનિક વચેટિયાથી લઈને સરકારી બાબુઓ સુધીના મહેલ રચાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ખેલ પાર પાડવામાં એક સ્થાનિક વચેટિયાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તલાટી કમ મંત્રી, સરપંચ, એન્જિનિયર અને યોજનાના સત્તાવાર અધિકારીઓની મિલીભગત કે આંખ આડા કાન કર્યા વગર આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી. જૂના બાંધકામની તસવીરો અને કાગળો રજૂ કરીને કાગળ પર નવી યોજનાઓ બતાવી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ અંગે પીલોદરા ગામના સરપંચ રંજનબેનનો સંપર્ક કરતા તેમણે એવો ધડાકો કર્યો છે જેનાથી પંચાયત આલમમાં ભૂકંપ આવી ગયો છે. સરપંચ રંજનબેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે
“અમારા ગામમાં વર્ષ ૨૦૨૫માં જ ૧૦૦% શૌચાલય બની ગયા હોવાનું સત્તાવાર પ્રમાણપત્ર અમે તાલુકા પંચાયત અને યોજનાના સત્તાવાર અધિકારીઓને સોંપી દીધું હતું. હાલમાં જે ૧૦૮ જેટલા શૌચાલયોનું કૌભાંડ સામે આવ્યું છે, તેના એકપણ કેશ પેપર કે ફાઈલમાં મેં સહી કરી જ નથી! તો પછી આ બધી ફાઈલો પર સરપંચની બોગસ સહીઓ કોણે કરી? આ સીધો ફોજદારી તપાસનો વિષય છે.”
સરપંચના આ સણસણતા નિવેદન બાદ હવે અનેક સવાલો ઉભા થયા છે સરપંચની ગેરહાજરીમાં કે અજાણતા બોગસ સહીઓ કોણે કરી ?એન્જિનિયરે સ્થળ તપાસ કર્યા વગર જ મંજૂરીના સિક્કા કેવી રીતે મારી દીધા ?આ કૌભાંડ માત્ર ભ્રષ્ટાચાર નથી પરંતુ સરકારી કાગળો સાથે સહી-સિક્કાની જાલી સહીઓ કરવાનો ગંભીર ગુનો પણ છે. સરપંચ અને જાગૃત ગ્રામજનો દ્વારા આ સમગ્ર પ્રકરણની તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિત વચેટિયાઓ તથા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.