
બંબેલા, મહુડી અને ઝાલોદમાં સ્વાગત-સન્માનથી લઈ ધાર્મિક તથા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરાઈ.
વારાણસીથી વડનગર સુધી યોજાનારી બાઇક રેલીના સંદર્ભે દાહોદ જિલ્લામાં પસાર થનારા રૂટનું પરીક્ષણ કરી આયોજનની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા ભાજપ અધ્યક્ષ તથા બાઇક રેલીના ઈન્ચાર્જ દ્વારા ધારાસભ્ય મહેશ ભૂરીયા સાથે રૂટ અને કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ સ્થળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેલીના આગમનથી લઈ સ્વાગત, ધાર્મિક કાર્યક્રમો અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે સંબંધિત સંકલન અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થાન વડનગર છે, જ્યારે તેઓ વારાણસી લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વારાણસીથી વડનગર તથા વડનગરથી વારાણસી બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાં રાજસ્થાનના કુશલગઢથી બોર્ડર ક્રોસ કરી બંબેલા, મહુડી થઈ ઝાલોદ તરફ બાઇક રેલી પહોંચશે અને ત્યારબાદ સુખસર તરફ રવાના થશે. આ સમગ્ર રૂટ દરમિયાન રેલીના સ્વાગત તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
બંબેલા ચૌહાણ પેટ્રોલ પંપ ખાતે કળશ સાથે ઉપસ્થિત બહેનો દ્વારા પુષ્પવર્ષા કરી બાઇક રેલીનું સ્વાગત કરવામાં આવશે. સાથે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતા ઢોલ-વાજિંત્ર સાથે રેલીનું ભવ્ય સ્વાગત તથા રાષ્ટ્રગાન જેવા કાર્યક્રમો યોજાશે.
ત્યારબાદ મહુડી હનુમાનજી મંદિર ખાતે બાઇક રેલીનું આગમન થશે, જ્યાં હનુમાનજીની પૂજા-અર્ચના સાથે વિવિધ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.
ઝાલોદ નગરમાં વણકતલાઈ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસા પાઠ, પૂજા અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ બિરસા મુંડા સર્કલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક, સરદાર ચોક તથા ભીલ રાજા ઝાલા વસૈયા ચોક સહિતના સ્થળોએ બાઇક રેલીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવશે.
રૂટ પરીક્ષણ દરમિયાન રેલીના આગમન સમયે સ્થળ વ્યવસ્થા, સ્વાગત કાર્યક્રમો, ટ્રાફિક વ્યવસ્થા તથા સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા અંગે પણ જરૂરી સૂચનાઓ અને સંકલન કરવામાં આવ્યું હતું.