કલજીની સરસવાણીમાં સેવાસેતુ કાર્યક્રમ : વિકાસકાર્યોની જાહેરાત સાથે લાભાર્થીઓને સહાય

ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ; શાળાના વિકાસ માટે રૂ.75 લાખની જાહેરાત, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સાથે વૃક્ષારોપણ પણ કરાયું ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ગ્રામજનો અને પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશ ભૂરીયાએ કલજીની સરસવાણીની શાળાના વિકાસ માટે રૂ.75 લાખની જાહેરાત કરી હતી. શાળાના વિકાસથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે દિશામાં આ જાહેરાત મહત્વપૂર્ણ બની રહી છે.

 આ પ્રસંગે ધારાસભ્ય મહેશ ભૂરીયાએ વિદ્યાર્થીઓને અભ્યાસ અને જીવનમાં.  આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય આપી મદદરૂપ બન્યા હતા.

‘સરકારની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી પ્રાથમિકતા’આ પ્રસંગે ધારાસભ્ય મહેશ ભૂરીયાએ જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર દ્વારા સેવાસેતુ જેવા કાર્યક્રમોના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે. ગામડાના પાત્ર લાભાર્થીઓ સરકારી યોજનાઓથી વંચિત ન રહે અને વિકાસની સુવિધાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચે તે માટે સરકાર સતત કાર્યરત છે. શિક્ષણ, વિકાસ અને જનકલ્યાણને પ્રાથમિકતા આપી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કામગીરી આગળ પણ ચાલુ રહેશે.”

કાર્યક્રમમાં વહીવટી તંત્રના વિવિધ પ્રતિનિધિઓ, સરપંચો, તાલુકા સભ્યો તેમજ ભાજપના વિવિધ હોદ્દેદારો. ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો, જેમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વિસ્તારના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો દ્વારા વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે માહિતી મેળવી તેનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.