-વારંવાર રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી ન હલ્યું, ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત હજારો લોકોની રોજિંદી હાલાકી.
સંતરામપુર તાલુકાના પાદેડી કલાસવા ફળિયાથી ખેરવા સુધીનો આશરે ૨૦ કિલોમીટરનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા, તૂટેલું ડામર અને ઉબડખાબડ સપાટી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી રસ્તાની યોગ્ય મરામત કે નવીનીકરણ કરવામાં આવ્યું નથી.
આ માર્ગ માત્ર ગ્રામજનોની અવરજવર પૂરતો સીમિત નથી. મોડક્સ સ્કૂલમાં અભ્યાસ કરતા ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત આસપાસના અનેક ગામોના લોકો માટે આ મહત્વનો માર્ગ છે. રોજિંદા વિદ્યાર્થીઓ, ખેડૂતો, નોકરીયાતો અને વાહનચાલકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. રસ્તાની હાલતને કારણે ખાસ કરીને ચોમાસામાં મુશ્કેલી અનેકગણી વધી જાય છે.
રસ્તા પર ખાડા અને તૂટેલા ડામરના કારણે વાહનોને મોટા પાયે નુકસાન થતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. ટાયર, સસ્પેન્શન સહિતના ભાગોમાં વારંવાર નુકસાન થવાથી આ કાળઝાળ મોંઘવારીમાં વાહનચાલકો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. રસ્તાની ખરાબ હાલતને કારણે ઈંધણનો વપરાશ પણ વધે છે અને સમયનો પણ બગાડ થાય છે.
અકસ્મતોનો સતત ભય ઉબડખાબડ અને સાંકડા માર્ગ પર વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે. ખાસ કરીને બે વાહનો સામસામે આવે ત્યારે અકસ્માતનો ભય રહે છે. નાના-મોટા અકસ્માતો સર્જાવાની શક્યતા વચ્ચે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી પહેલાં રસ્તો બનાવો, નહીં તો મત નહીં વારંવાર રજૂઆત છતાં રસ્તાની સમસ્યાનો ઉકેલ ન આવતા હવે ગ્રામજનોમાં તંત્ર સામે નારાજગી વધી રહી છે. આવનારી વિધાનસભા સહિતની ચૂંટણીઓ પહેલાં રસ્તાનું કામ શ નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાશે, તેવી ચીમકી સ્થાનિક ગ્રામજનો દ્વારા આપવામાં આવી રહી છે.
ગ્રામજનોનો સીધો સવાલ છે કે, વર્ષોથી રસ્તાની સમસ્યા હોવા છતાં તંત્ર ક્યારે જાગશે? ૮૦૦થી વધુ બાળકો અને હજારો લોકોની અવરજવર ધરાવતા માર્ગ માટે હવે પણ રાહ જોવડાવવાનું કારણ શું?
સ્થાનિકોની માંગ છે કે, તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી રસ્તાની ગુણવત્તાયુક્ત મરામત અથવા નવો માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરે, જેથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને રોજિંદી મુશ્કેલીમાંથી રાહત મળે.