
એકલ ગ્રામોથન ફાઉન્ડેશનની બહેનોએ પોલીસકર્મીઓને રાખડી બાંધી સન્માન કર્યું, સબ જેલમાં ગાયત્રી પરિવાર દ્વારા કેદીઓને પણ રક્ષાબંધનની પ્રેરણા અપાઈ
ઝાલોદ વિભાગીય પોલીસ અધિકારીની કચેરી, ઝાલોદ પોલીસ સ્ટેશન તેમજ સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. એકલ ગ્રામોથન ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી, જ્યારે સબ જેલ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા પી.એસ.આઈ. સહિતના સ્ટાફ અને કેદીઓ સાથે રક્ષાબંધનનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
ઝાલોદ વિભાગીય પોલીસ અધિકારી ધીરજ પટેલ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ, ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. રવિ ગામીત, પી.એસ.આઈ. સી.કે. સીસોદીયા સહિતના પોલીસ કર્મચારીઓ સાથે એકલ ગ્રામોથન ફાઉન્ડેશનની બહેનોએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારથી દૂર રહી દિવસ-રાત નગરજનોની સુરક્ષા અને સેવા માટે ફરજ બજાવે છે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવવાની સાથે માનવતાભર્યા અભિગમથી લોકોની સેવા કરતા પોલીસ કર્મચારીઓ પ્રત્યે બહેનોએ ગૌરવની લાગણી વ્યક્ત કરી તેમને રાખડી બાંધી હતી.

આ પ્રસંગે ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. રવિ ગામીત અને પી.એસ.આઈ. સી.કે. સીસોદીયા દ્વારા રક્ષાબંધન નિમિત્તે ઉપસ્થિત તમામ બહેનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પી.આઈ. રવિ ગામીતે રક્ષાબંધન પર્વના મહત્ત્વ અંગે પ્રેરક અને ભાવનાત્મક સંબોધન કરી ભાઈ-બહેનના પવિત્ર સંબંધ ઉપરાંત સમાજમાં પરસ્પર રક્ષણ, વિશ્ર્વાસ, લાગણી અને જવાબદારીના મહત્વને સમજાવ્યું હતું.
બીજી તરફ ઝાલોદ સબ જેલ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા પણ રક્ષાબંધનની અનોખી અને માનવતાભરી ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી પરિવારના સભ્યોએ સબ જેલના પી.એસ.આઈ. સંજય પટેલ સહિતના સ્ટાફ તેમજ જેલમાં રહેલા કેદીઓ સાથે રક્ષાબંધનનો ઉત્સવ ઉજવ્યો હતો. કેદીઓને પણ સમાજનો એક ભાગ માની તેમના જીવનમાં સારા વિચારો, સદાચાર અને સકારાત્મક પરિવર્તન આવે તે માટે પ્રેરણા આપવામાં આવી હતી.
રક્ષાબંધનના આ કાર્યક્રમો દ્વારા પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તેમજ જેલમાં રહેલા કેદીઓમાં પણ માનવતા, ભાઈચારો અને સુધારાની ભાવના જગાવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું.